Friday, May 29, 2009

ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે.
આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી રચાઈ. શ્રીકૃષ્‍ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ્ર, યાદવાસ્‍થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્‍થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્‍ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.